મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા ગઇકાલે વ્યાપક લોકસંપર્ક અભિયાન યોજાયું હતું. જલારામ સોસાયટીથી શરૂ થયેલ આ અભિયાન ગણેશનગર સુધી પહોંચ્યું હતું, જેમાં કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકોની બહોળી હાજરી નોંધાઈ હતી.

આ લોકસંપર્ક કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારો ભગવતીબેન મહેશભાઇ (મુકેશ) કુંડારીયા, નૂતનબેન હરસુખભાઈ વિડજા તથા નવનીતભાઈ ભુદરભાઈ કુંડારીયા દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. સવારે 9:30 વાગ્યે કાર્યાલયે કાર્યકર્તાઓ એકત્ર થયા બાદ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.

લોકસંપર્ક યાત્રા દરમિયાન કૈલાશ સોસાયટી (શનાળા રોડ), આરાધના સોસાયટી, અંકુર સોસાયટી, અનુપમ સોસાયટી, આર્યનગર, અરિહંત સોસાયટી, વિજયનગર (નરસંગ મંદિર પાસે), રામવિજયનગર 1-2-3, અમિત પાર્ક અને નીલકંઠ પાર્ક જેવા વિસ્તારોમાં ઉમેદવારોએ ઘરઘર જઈ લોકો સાથે સીધી મુલાકાત કરી હતી. આ દરમિયાન ઉમેદવારોએ સ્થાનિક લોકોની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. મતદાતાઓએ પણ સકારાત્મક પ્રતિસાદ આપતા ભાજપના ઉમેદવારોને સમર્થન આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

લોકસંપર્ક અભિયાનમાં કાર્યકર્તાઓએ ‘ભારત માતાની જય’ અને ‘વંદે માતરમ્’ જેવા દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને ઉર્જાવાન બનાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો. આ રીતે વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારો દ્વારા કરવામાં આવેલ લોકસંપર્ક અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે.








