મોરબી મહાનગરપાલિકાની ચૂંટણીના વોર્ડ નંબર 10 ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણેશભાઈ નાનજીભાઈ ડાભીનો આજે જન્મદિવસ છે. ઉદ્યોગપતિ તરીકે જાણીતા અને સતવારા સમાજના અગ્રણી એવા ગણેશભાઈ ડાભી હંમેશા સમાજસેવામાં સક્રિય રહેતા આગેવાન તરીકે ઓળખ ધરાવે છે.
ગણેશભાઈ ડાભી મોરબીના કંડલા બાયપાસ રોડ પર આવેલ ‘ગજેન્દ્ર વિલા’ ખાતે નિવાસ કરે છે. તેમણે રાજકોટથી વર્ષ 1985માં ITI (ઇલેક્ટ્રિક) અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ ઉદ્યોગ ક્ષેત્રે સફળ કારકિર્દી બનાવી છે. સાથે જ તેઓ વર્ષ 1995થી ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકે જોડાયેલા છે અને વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે.
તેમના પરિવારની શિક્ષણક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાઓ રહી છે. તેમના પિતા નાનજીભાઈ રૈયાભાઈ ડાભી શિક્ષક હતા. અને સેવા પુર્ણ થયા બાદ તેમના નામે શાળા ફરીથી સ્થાપી હતી. હાલમાં ગણેશભાઈ ડાભી ‘દોશી. એન.આર. ડાભી હાઈસ્કૂલ’ના ટ્રસ્ટી તરીકે શિક્ષણ ક્ષેત્રે પણ પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે.
સામાજિક સેવા ક્ષેત્રે પણ ગણેશભાઈ ડાભીનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. કોરોના મહામારી દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઓક્સિજન બોટલ, દવાઓ સહિતની આવશ્યક સેવાઓ નિસ્વાર્થ ભાવે ઉપલબ્ધ કરાવી તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરાંત તેઓ સતવારા સમાજના યુવાનોને પ્રોત્સાહિત કરી ધાર્મિક, સામાજિક અને રાહત કાર્યોમાં સક્રિય સહભાગી બને છે.
તેમના જન્મદિવસ નિમિત્તે સામાજિક, રાજકીય તેમજ હિતેચ્છુઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. સાથે જ આવનારી મોરબી મહાનગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 10 ની ભાજપ પેનલને જંગી બહુમતીથી વિજયી બનવા માટે શુભકામનાઓ પણ પાઠવવામાં આવી રહી છે.









