Saturday, May 2, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબીમાં ખર્ચાળ પરંપરાઓ પર બ્રેક, રબારી સમાજે નક્કી કરી મર્યાદા

મોરબીમાં ખર્ચાળ પરંપરાઓ પર બ્રેક, રબારી સમાજે નક્કી કરી મર્યાદા

મોરબી : મચ્છુકાંઠા રબારી સમાજના સામાજિક બંધારણના નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. મચ્છુકાંઠાના તમામ ગામોમાં નેહડે નેહડે જઈને સમરસ યુવા સંગઠનની ટીમ દ્વારા મોટી સંખ્યામાં મિટિંગો યોજવામાં આવી હતી અને સમાજ પાસેથી લેવામાં આવેલ સૂચનોને ધ્યાનમાં રાખીને વડીલો અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ આ સામાજીક બંધારણના નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ તમામ નિયમોનું સમાજના દરેક લોકોએ સ્વૈચ્છિક રીતે પાલન કરવાનું રહેશે.

સગાઈ અને લગ્ન પ્રસંગના નિયમો અને દંડની જોગવાઈ

• દીકરા કે દીકરીની સગાઈ કરતી વખતે લેતી-દેતીની પ્રથામાં રોકડ રકમ વધુમાં વધુ 3 લાખ અને ઘરેણું વધુમાં વધુ 7 તોલા લઈ શકાશે. જો 3 લાખથી વધારે રૂપિયા લીધા હશે તો તે તમામ રૂપિયા નાતના સામાજિક કાર્યમાં આપવાના રહેશે અને ત્યારબાદ બંને પક્ષે 1-1 લાખનો દંડ પણ ચૂકવવાનો રહેશે.

• સગાઈ પછી જલના પ્રસંગમાં વધુમાં વધુ 500 રૂપિયા જ આપવા. અન્ય હરખ પ્રથા સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે, જેમાં કપડા, સોના ચાંદીના દાગીના કે અન્ય કોઈપણ વસ્તુઓ આપવી નહીં. અને જલ પછી કપડાં લઈને જાય ત્યારે માત્ર 3 જોડી કપડા, સાંકળાં અને દાણો જ આપવો, અન્ય કંઈપણ વસ્તુઓ આપવી નહીં. આ બંને નિયમોમાં જણાવેલ વસ્તુઓથી વધારે કંઈપણ આપવામાં આવશે તો બંને પક્ષે 11,000 રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે.

• ચુંદડીના પ્રસંગમાં શકન રૂપે માત્ર 3 જોડી કપડા, સાંકળાં અને દાણો જ આપવો. બૂટી ઉપર પ્રતિબંધ નથી પરંતુ આર્થિક અનુકૂળતા હોય તો જ આપવી. જો આ વસ્તુઓથી વધારે કંઈપણ આપવામાં આવશે તો બંને પક્ષે 21,000 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે.

• લગ્ન લખે ત્યારે દીકરી પક્ષેથી વધુમાં વધુ 7 વ્યક્તિઓને જ જવું. દિકરા પક્ષે અન્ય સગા વહાલાને તેડાવવાં નહીં તેમજ નેહડાનો જમણવાર કરવો નહીં. માત્ર ભાયુ કુટુંબ પૂરતો જ જમણવાર રાખવો અને સગા બહેન, માસી, મામા, ભાણેજ જો ગામમાં રહેતા હોય તો જ તેડાવવાં. નિયમ ભંગ કરનાર પક્ષે 11,000 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે.

• લગ્નમાં છાબની ખરીદી માટે વધુમાં વધુ 51,000 રોકડા આપી દેવા. નિયમ ભંગ બદલ બંને પક્ષોએ અલગ અલગ 50,000 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે.

મામેરા, વાસ્તુ અને ધાર્મિક પ્રસંગોના નિયમો

• લગ્નના મામેરામાં સગા મામા મામીને જ પહેરામણી કરવી. દેરાણી જેઠાણીના મામેરા સદંતર બંધ કરવા અને વળતર પ્રથા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. નિયમ ભંગ બદલ મામેરીયા અને ઘરધણી બંને પક્ષે 11,000 રૂપિયા દંડ ચૂકવવાનો રહેશે.
• માતાજીના માંડવામાં વેવાર પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. જો આયોજક વેવાર લેશે તો 51,000 રૂપિયા દંડ ભરપાઈ કરવાનો રહેશે.
• વાસ્તુ પૂજન અને હવન સહિતના નાના પ્રસંગોમાં માત્ર સાસરીયાનો જ વેવાર લેવો, અન્ય કોઈપણ સગા વ્હાલાઓનો વેવાર લેવો નહીં. સાસરીયા સિવાય કોઈનો પણ વેવાર લેવા પર 11,000 રૂપિયા દંડ ભરપાઈ કરવાનો રહેશે.

મરણ પ્રસંગના નિયમો

• મરણ પ્રસંગે લૌકિક વાર 3 જ રાખવા અને પાણી ઢોર પછી કોઈએ લૌકિકે જવું નહીં.
• મરણ પ્રસંગે મહિલાઓએ કોટ કાણ કરવી નહીં, જેના પર સદંતર પ્રતિબંધ છે.
• દાળામાં બને ત્યાં સુધી સાદું ભોજન રાખવાનો આગ્રહ રાખવો.
• શ્રાદ્ધ તેમજ રખ પાંચમની વિધિમાં કુટુંબ અને બહેન દિકરીઓ સિવાય અન્ય કોઈ સગા વહાલાને તેડાવવાં નહી.

RELATED ARTICLES

જવાબ છોડો

કૃપા કરીને તમારી ટિપ્પણી દાખલ કરો!
કૃપા કરીને તમારું નામ અહીં દાખલ કરો

- Advertisment -

Most Popular

Recent Comments