મોરબી ડેઈલી : 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે બ્લુઝોન ગ્રુપ પાવડીયારી મોરબી દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યમાં 65 રક્તદાતાઓએ ઉત્સાહભેર સ્વૈચ્છિક રક્તદાન કરીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે બ્લુઝોન ગ્રુપ ચેરમેન અને મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, વિનોદભાઈ આદ્રોજા તેમજ બ્લુઝોન ગ્રુપ પરિવારના તમામ સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ગરમીના સમયમાં જ્યારે સામાન્ય રીતે બ્લડની અછત સર્જાતી હોય છે, તેવા કપરા સમયે આ રક્તદાન કેમ્પનું આયોજન કરવા બદલ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને એમ.ડી. રમેશભાઈ માકાસણાએ તમામ આયોજકો, રક્તદાતાઓ અને બ્લુઝોન ગ્રુપ પરિવારના યુવાનોનો આભાર વ્યક્ત કર્યો અને અભિનંદન પાઠવ્યા હતા.















