જિલ્લા શિક્ષણ સમિતિ અને સમગ્ર શિક્ષા મોરબીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં નવપ્રવેશી ભૂલકાઓનું ઉષ્માભેર સ્વાગત કરાયું
મોરબી : નાની વાવડી ગામ મુકામે જિલ્લા શિક્ષણ સમિતિ, જિલ્લા
પંચાયત મોરબી તથા સમગ્ર શિક્ષા મોરબી દ્વારા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી મહાનગરપાલિકાના મેયર ઉત્તમ સુરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શાળામાં પ્રથમ પગથિયું માંડતા ભૂલકાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી (DDO), સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેટરો તથા અન્ય આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવપ્રવેશી વિદ્યાર્થીઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળામાં પ્રવેશ મેળવતા બાળકો તથા તેમના વાલીઓના ચહેરા પર ખુશી અને ઉત્સાહની ઝલક સ્પષ્ટ જોવા મળી હતી. વાલીઓએ પણ ગૌરવની લાગણી અનુભવી હતી. બાળકોના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણનું મહત્વ સમજાવતા ઉપસ્થિત સૌએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધતા મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, “શિક્ષણ એ બાળકના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો છે. દરેક બાળક શિક્ષણ સાથે જોડાય અને વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન આપે તે માટે આપણે સૌએ સંકલ્પબદ્ધ બનવું જોઈએ.”
અંતમાં, ‘ઉત્સવ બાળકોના સર્વાંગી વિકાસનો’ સૂત્રને સાર્થક કરતો આ કાર્યક્રમ વિદ્યાર્થીઓ, વાલીઓ અને ઉપસ્થિત મહાનુભાવોમાં આનંદ, ઉત્સાહ અને નવી આશાની લાગણી સાથે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.














