10 વર્ષની ઉંમરે પણ આ બાળકે કોઈ.મોટા કલાના કસબીની જેમ માટી અને બરફના અદભુત શિવલિંગ બનાવી રુદ્રાભિષેક કરી સમગ્ર શ્રાવણ માસ ઉપવાસ શરૂ કરી શિવ ઉપાસનામાં તલ્લીન બન્યો
મોરબી : શ્રાવણ માસ એટલે ત્રિલોકના નાથ ભગવાનની શિવ ભક્તિ અને આરાધના તેમજ ઉપાસના કરવાનો શુભ અવસર ગણાય છે.ત્યારે મોરબીના બંધુનગર ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અમૂલભાઈ જોષીના 10 વર્ષના પુત્ર કેયુર જોષીની અનોખી શિવભક્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. નાની ઉંમરે જ કેયુરે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ઉપવાસનો સંકલ્પ લીધો છે અને દરરોજ ભગવાન શિવની ભક્તિમાં સમય વિતાવી રહ્યો છે.
કેયુર દ્વારા શ્રાવણ માસ દરમિયાન માટી તેમજ બરફમાંથી શિવલિંગ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ પૌરાણિક પરંપરા મુજબ રુદ્રાભિષેક કરી ભગવાન શિવની આરાધના કરવામાં આવે છે. શિવલિંગની પૂજા-અર્ચના સાથે કેયુર શ્રદ્ધાપૂર્વક ભગવાન શિવને પ્રસન્ન કરવા પ્રાર્થના કરે છે.
આમ, રમવા-ભણવાની ઉંમરે કેયુરે શ્રાવણ માસમાં ભક્તિનો માર્ગ અપનાવી ધાર્મિક આસ્થા પ્રત્યેનો પોતાનો લગાવ વ્યક્ત કર્યો છે. નાની વયે ઉપવાસ સાથે શિવલિંગ બનાવી રુદ્રાભિષેક કરવાની તેની ભાવનાની પરિવારજનો તથા આસપાસના લોકો દ્વારા નોંધ લેવામાં આવી રહી છે અને કેયુરની શ્રદ્ધાની ચોમેર પ્રશંસા થઈ રહી છે.












