મોરબી ડેઈલી: મોરબીમાં નવરાત્રી પર્વ નિમિત્તે સામાજિક સમરસતા, સમાનતા અને બંધુત્વનો અદભુત સંદેશ આપતો એક પ્રેરણાદાયી કાર્યક્રમ યોજાયો હતો. ડો. હેડગેવાર સ્મારક સમિતિ (રાજકોટ) અને સામાજિક સમરસતા મંચ (મોરબી) ના સંયુક્ત ઉપક્રમે નવરાત્રીના પ્રથમ નોરતે સામાજિક એકતાની એક અનોખી પહેલ કરવામાં આવી હતી.
આ પહેલ અંતર્ગત, મોરબીના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના 35 જેટલા સ્વયંસેવકોના પરિવારો દ્વારા અનુસૂચિત જાતિ (હિન્દુ સમાજ) ની 133 દીકરીઓનું પોતાના ઘરે સ્વાગત કરવામાં આવ્યું હતું. પરિવારના સભ્યોની જેમ જ દીકરીઓને આવકારીને વડીલો દ્વારા તેઓનું માતૃશક્તિ સ્વરૂપે શાસ્ત્રોક્ત કન્યા પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તમામ દીકરીઓને ભક્તિભાવપૂર્વક લ્હાણી (ભેટ) અર્પણ કરી સ્નેહભોજન કરાવવામાં આવ્યું હતું.
સમાજના તમામ વર્ગો વચ્ચે સમરસતા સ્થપાય અને આત્મીય સંબંધો ગાઢ બને તેવા શુભ આશયથી આયોજિત આ કાર્યક્રમ થકી સૌ પરિવારોમાં અનોખો આનંદ અને આધ્યાત્મિક સંતોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટની મોરબી શાખા, સામાજિક સમરસતા મંચ અને RSS ના કાર્યકર્તાઓ તથા તેમના પરિવારોએ ભારે ઉત્સાહપૂર્વક જહેમત ઉઠાવી મોરબી પંથકમાં સામાજિક સૌહાર્દનો ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.














