લીલાપર આવાસમાં ફાળવણી બાદ પણ નાણાં નહીં ભરનાર લાભાર્થીઓની ફાળવણી રદ્દ કરવા કાર્યવાહી શરૂ : બાયપાસ નજીક 608 આવસનું અધૂરું કામ પૂર્ણ કરવા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ
મોરબી : મોરબી નગરપાલિકા શાસનમાં લાંબા સમયથી જે આવાસ યોજનાનું કામ જ પૂર્ણ નહોતું પૂર્ણ કરાયું એવી બાયપાસ નજીક આવેલ 608 આવાસ યોજનાનું કામ પૂર્ણ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે જ લીલપર રોડ આવાસ યોજનામાં ફાળવણી બાદ પણ નાણાં નહીં ભરનાર લાભાર્થીઓની ફાળવણી રદ્દ કરવા કાર્યવાહી શરુ કરવામાં આવી છે. રદ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા આગામી સમયમાં નવેસરથી આવાસની ફાળવણી કરવામાં આવશે.
મોરબી શહેરના લીલાપર રોડ ઉપર નિર્માણ થયેલ મુખ્યમંત્રી આવસ યોજનામાં 400 આવાસની ફાળવણી કરવામાં આવ્યા બાદ 336 જેટલા લાભાર્થીઓને અવાર નવાર અનુરોધ કરવાની સાથે નોટિસ આપવા છતાં ક્વાટર્સ ફાળવણી માટેના રૂ.51 હજારની રકમ ભરપાઈ કરવામાં ન આવતા અંતે મહાનગર પાલિકા દ્વારા વહીવટદાર પાસે આવાસની ફાળવણી રદ કરવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેની મંજૂરી મળ્યા બાદ આ તમામ 336 લાભાર્થીની ફાળવણી રદ કરી નવેસરથી આવાસ ફાળવણી કરવામાં આવશે.
મોરબી શહેરના બાયપાસ પર લાંબા સમયથી નિર્માણાધીન આવસ યોજનામાં કોન્ટ્રાકટર દ્વારા કામગીરી પૂર્ણ કરવામા ન આવતા અંતે મહાનગર પાલિકાએ નવેસરથી આ આવાસની ફીનીસીંગની કાર્યવાહી કરવા તેમજ આવાસમાં બાકી રહેતી બારી -દરવાજા ફિટ કરવાની કામગીરી માટે રિટેન્ડરને મંજૂરી આપવામાં આવી હોય હવે આ આવાસ યોજનાની કામગીરી પૂર્ણ થયે શહેરી ગરીબ લાભાર્થીઓને ફાળવણી કરવાં માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવનાર હોવાનું મહાનગર પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.










