મોરબીના વનાળીયા ગામે ગાળો બોલવાની બાબતે થયેલ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાની છરીના ઘા ઝીંકી દેતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ડીવાયએસપીએ આપેલી માહિતી મુજબ, વનાળીયા ગામે રહેતા ગોરધનભાઈ રાઠોડ દ્વારા આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ ફરિયાદ મુજબ, ગામમાં બેઠા હતા ત્યારે ગાળો બોલવાની બાબતે ઝઘડો થયો હતો. ગાળો ન બોલવા બાબતે ઠપકો આપતા ઝઘડો ઉગ્ર બન્યો હતો. જેમાં આરોપી સુરેશ કાનજીભાઈ રાઠોડે ઉશ્કેરાઈ જઈને મહેશભાઈ ગોરધનભાઈ રાઠોડ ઉપર છરી વડે હુમલો કર્યો હતો. છરીના ઘા વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ મહેશભાઈને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. આ બનાવની જાણ થતાં જ મોરબી તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી સુરેશ રાઠોડની અટકાયત કરી છે. આ સાથે જ પોલીસે ગુનામાં વપરાયેલ હથિયાર (છરી) પણ કબ્જે કરી લીધી છે. હાલ આ મામલે આગળની વધુ તપાસ પીઆઇ ઘેટીયા ચલાવી રહ્યા છે.









