મોરબી: કાળઝાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નં. 9 ના કોર્પોરેટર ભગવતીબેન કુંડારીયા દ્વારા ધોમધખતા તાપમાં રસ્તા પર ઉભા રહીને શાકભાજી અને ફળ વેચતા નાના વેપારીઓને ભારતીય જનતા પાર્ટીની છત્રીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભગવતીબેને આ તકે જણાવ્યું હતું કે, “મોરબીમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, ત્યારે આ કાળઝાળ ગરમીમાં આપણા નાના વેપારી ભાઈ-બહેનો રસ્તા પર ઉભા રહીને મહેનત કરે છે. આ નાની છત્રી તેમને ગરમી સામે રક્ષણ આપશે અને આ કાર્ય દ્વારા અમને તેમની સેવા કરવાનો લ્હાવો મળ્યો છે.” આ સેવાથી અભિભૂત થયેલા લાભાર્થીઓએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, પહેલીવાર કોઈએ અમારી આ પ્રકારે ચિંતા કરી છે. છાંયડો મળવાથી હવે ધંધો કરવામાં સરળતા રહેશે અને થાક પણ ઓછો લાગશે. તેમ યાદીમાં જણાવાયું છે.










