રોજગારી વધારવાના હેતુથી આયોજિત કાર્યક્રમમાં ૬૫૭ ઉમેદવારોને ખાનગી કંપનીઓમાં પસંદગીની નોકરી મળી
:: ૦૦ :: ૦૦૦ :: ૦૦ ::
રાજ્યમાં નવી હાઈટેક અને આધુનિક આઈ.ટી.આઈ. બનાવવાની કામગીરી વેગવંતી – મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા
:: ૦૦ :: ૦૦૦ :: ૦૦ ::
મોરબી જિલ્લામાં રોજગારવાંચ્છુકોને ખાનગી કંપનીઓમાં રોજગારી પૂરી પાડવાના હેતુ સાથે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને મોરબી જિલ્લા રોજગાર કચેરી દ્વારા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે મેગા જોબ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ૧૧૬૬ ઉમેદવારોની નોંધણી થઈ હતી. જે અન્વયે કચ્છ-સૌરાષ્ટ્રની ૩૦ નામાંકિત કંપનીઓ દ્વારા સ્થળ પર જ ૬૫૭ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. આ ભરતીમેળામાં મોરબી મહાનગરપાલિકા દ્વારા કરાર આધારિત અને આઉટસોર્સથી કર્મચારીઓની પસંદગી કરવા પણ સ્ટોલ રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના ભારતને ૨૦૪૭ માં વિશ્વગુરુ બનાવવાના સ્વપ્નને સાકાર કરવામાં યુવાનોને રોજગારી મહત્વનું માપદંડ છે. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષે વધુ ને વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવાનું લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. રાજ્યમાં નવી હાઈટેક અને આધુનિક આઈ.ટી.આઈ. બનાવવાની કામગીરી વેગવાન બની છે. ઉપરાંત આઈ.ટી.આઈ. માં જે-તે સ્થળના સ્થાનિક ઉદ્યોગોમાં રોજગાર સંબંધિત કોર્ષ ચાલુ કરવામાં આવી રહ્યા છે જે યુવાનોને વધુ સક્ષમ અને કૌશલ્યવાન બનાવશે.
આ પ્રસંગે મોરબીના મહાનગરપાલિકા ના મેયર ઉત્તમ સુરાણીએ જણાવ્યું હતું કે, યુવાનો એ વિકસિત ભારતની આધારશિલા છે.આ યુવાઓ સ્કિલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓ/પહેલથી આત્મનિર્ભર બની રહ્યા છે. યુવાઓને વિકાસના કામોમાં સહભાગી બનાવવા માટે આ પ્રકારના આયોજનો સેતુની કામગીરી કરી રહ્યા છે.
આ કાર્યક્રમમાં રોજગારી મેળવનાર ઉમેદવારોને શુભેચ્છા પાઠવતા સાંસદશ્રી પરસોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું હતું કે, આજે સરકારના હકારાત્મક અભિગમથી ભરતી પ્રક્રિયા પારદર્શક બની છે. આ પ્રકારના ભરતીમેળાથી લાખો યુવાનોને રોજગારી મળી છે. આ મેળાએ જરૂરિયાતમંદ રોજગાર મેળવનાર અને રોજગાર દેનાર કંપનીઓ વચ્ચે મધ્યસ્થી પૂરી પાડી છે.
આ કાર્યક્રમ મહાનુભાવોના હસ્તે ૧૫ યુવાનોને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા તથા રોજગાર કચેરી દ્વારા સેનામાં જોડાવવા યુવાનો માટે આયોજિત નિવાસી તાલીમ વર્ગમાંથી ૪ યુવાનો પાસ થતા ૨ યુવોનોને અગ્નિવીર અને ૨ યુવાનોને CRPF ના નિમણૂક પત્ર એનાયત કરાયા હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન જિલ્લા રોજગાર અધિકારીશ્રી મનીષા સાવનિયાએ કર્યું હતું. આભારવિધિ મોરબી આઈ.ટી.આઈ.ના ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી જયેશ હળવદિયાએ કરી હતી.
આ પ્રસંગે વાંકાનેર ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણી, મોરબી મહાનગરપાલિકાના કમિશનરશ્રી સંગીતા રૈયાણી, મોરબી પ્રાંત અધિકારીશ્રી પ્રવિણસિંહ જેતાવત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલ ગરચર સહિત પદાધિકારીઓ/અધિકારીશ્રીઓ તથા રોજગાર વાંચ્છુક યુવાનો, નોકરી દાતાઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.














