મોરબીની કોર્ટે ચેક રિટર્નના કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. જમીન ખરીદીના સોદામાં આપેલ 18,56,250 રૂપિયાનો ચેક પરત ફરતા મોરબીના બીજા એડીશનલ ચીફ જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ જે. જે. જોષી સાહેબની કોર્ટે આરોપીને 1 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.
કેસની વિગત મુજબ, ફરિયાદી માલાભાઈ માવજીભાઈ ડાભી (રહે. લીલાપર રોડ, મોરબી)એ આરોપી ગીરીરાજસિંહ પરબતસિંહ જાડેજા (રહે. મોટી વાવડી, મોરબી) મારફતે મોટી વાવડી સીમની જમીન ખરીદવાનો મૌખિક સોદો કર્યો હતો. આ પેટે 18,56,250 રૂપિયા આરોપીને ચૂકવવામાં આવ્યા હતા. જોકે, આરોપીએ બતાવેલી જમીન અને હકીકતમાં રહેલી જમીન અલગ હોવાથી ફરિયાદીએ સોદો રદ કર્યો હતો. જે બાદ રકમ પરત કરવા આરોપી ગીરીરાજસિંહે 18,56,250 રૂપિયાનો ચેક (નંબર 105101, તારીખ 06/05/2023) આપ્યો હતો. આ ચેક બેંકમાં રજૂ કરતા એકાઉન્ટ બ્લોક હોવાના શેરા સાથે પરત ફર્યો હતો.
ફરિયાદીએ નોટિસ આપવા છતાં રકમ ન મળતા કોર્ટમાં કેસ (નંબર 4832/2023) દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે આરોપી ગીરીરાજસિંહ જાડેજાને ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ દોષિત ઠેરવી 1 વર્ષની સખત કેદની સજા. ફરિયાદીને વળતર પેટે 18,56,250 રૂપિયા તારીખ 06/05/2023 થી 6% વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ પણ કરાયો છે. જો આરોપી આ રકમ ન ચૂકવે તો વધુ 1 વર્ષની સખત કેદની સજા ભોગવવાની રહેશે. આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી તેની સામે પકડવોરંટ ઈશ્યુ કરવામાં આવ્યું છે. તેમ આ કેસમાં ફરિયાદી પક્ષે રહેલા એડવોકેટ કાસમભાઈ ભોરિયાની યાદીમાં જણાવાયું છે.








