મોરબી : “સિદ્ધિ એને જ વરે જે પરસેવે ન્હાય” આ કહેવતને મોરબીના સામાકાંઠે સોઓરડી પાછળ આવેલા ચામુંડાનગરમાં રહેતા એકદમ સાધારણ આર્થિક પરિસ્થિતિ ધરાવતા પણ ઉચ્ચ સંસ્કાર અને આદર્શો તેમજ સભ્યતાથી સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા ખીમજીભાઈ ચાવડાના પૌત્ર શ્લોક ( સોનુ) જીતેન્દ્રભાઈ ચાવડાએ ખરા અર્થમાં ચરિતાર્થ કરી બતાવી છે. જેમાં શ્લોકે પરિવારની આર્થિક પરિસ્થિતિ અને અનેક અભાવો વચ્ચે સંઘર્ષ કરી અભ્યાસ દરમિયાન અન્ય કોઈ દેખાદેખી કે બાહ્ય અંડબર વગર માત્ર કારકિર્દી પર ધ્યાન રાખી ધો.10ની પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામ મેળવવા પદ્ધતિસરનું સ્કૂલમાં નિયમિત શિક્ષણ લઈ તેમજ રોજ ગોખણપટ્ટી નહિ પણ યાદ રહે તે રીતે કલાકો સુધી ઘરે અભ્યાસ કરીને કઠોર મહેનતથી આત્મવિશ્વાસપૂર્વક બોર્ડની પરીક્ષા આપી હતી અને તેની તનતોડ મહેનત આખરે રંગ લાવી હતી. આજે ધો.10ના જાહેર થયેલા પરિણામમાં શ્લોકે ધો.10માં 93.67 ટકા સાથે 98.38 પીઆર સાથે એવન ગ્રેડમાં મેળવી જ્વલંત સિદ્ધિ મેળવી છે. તેની કારકિર્દીના પ્રથમ ચરણમાં જ આ સિદ્ધિથી સમગ્ર પરિવારમાં ખુશીની કોઈ સીમા રહી ન હતી.
શ્ર્લોકે પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા તથા પરિવાર અને ગુરુજનોને આપ્યો છે. તેણે જણાવ્યું હતું કે, તેના પિતા સામાન્ય રીક્ષા ચાલક છે. એટલે પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય છે. પરંતુ તેમણે જે કષ્ટો વેઠયા છે અને તેમણે જે સંઘર્ષો કર્યા છે એ મારે ન કરવા પડે એ માટે અગાઉ તેના પિતા સીરામીકમાં મજૂરી કામ કરીને અને હવે રીક્ષા ચલાવી પરિવારની દરેક જરૂરિયાતો પુરી કરવાની સાથે મારી પણ દરેક અપેક્ષા પુરી કરી હોય હું ભણી ગણીને આગળ આવી મારુ ભવિષ્ય ઉજ્જવળ બનાવી સમાજમાં મોભાદાર સ્થાન મેળવું એ માટે એમણે મને બેસ્ટ સ્કૂલમાં અભ્યાસ કરાવ્યો છે. સામે મને પણ શરૂઆતથી અભ્યાસમાં ખૂબ રુચિ છે. એટલે અત્યાર સુધીની દરેક પરીક્ષામાં સારો દેખાવ કર્યો છે. જો કે અન્ય વાલીની જેમ મારા પિતા કે દાદા સહિતના પરિવારે ક્યારેય પણ મારા પર નંબર વન લાવવા માટે કોઈપણ જાતનું પ્રેશર કર્યું નથી. એમણે હમેશા મને રસ રુચિના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યો છે. આમ તો મારો પરિવાર શિક્ષિત છે. પણ કોઈએ મને ક્યારેય કોઈપણ જાતની દખલગીરી કરી નથી. એના બલ્કે સ્વતંત્ર રીતે નિણર્ય લેવા સક્ષમ બનાવી મને મુક્તમને જ અભ્યાસ કરવા દીધો છે. જેનું પરિણામ બધાની નજર સામે છે. જો વિદ્યાર્થીઓ હોશિયાર હોય છતાં માબાપ એના ઉપર નંબર વન લાવવા પ્રેશર કરે તો માનસિક બોજો વધવાથી પરિણામ સારું આવતું હોય તો પણ ખરાબ આવે છે.
શ્લોકના પિતા જીતુભાઈ ચાવડાએ કહ્યું છે કે, જેના પુત્રએ કારકિર્દીના મહત્વના વણાંક સમાન આ બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડ મેળવ્યો હોય એ જોઈને કયો પિતા ખુશ ન થાય. એટલે હું બેહદ ખુશ છે. સાથેસાથે મને મારા પુત્ર પર અત્યંત ગૌરવની લાગણી છે અને એ આગળ પણ ભવિષ્યમાં શ્રેષ્ઠ કારકિર્દી બનાવવાની સાથે જીવનના તમામ મોરચે પણ બહાદુરીપૂર્વક લડીને સફળ થશે એનો મને પૂરો વિશ્વાસ છે.









