મોરબીમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે ‘તેજસ્વિતા અભિવાદન સમારોહ – 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થી ભાઈ-બહેનોને સન્માનિત કરવામાં આવશે. સમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે અને શિક્ષણ ક્ષેત્રે વધુ પ્રગતિ કરે તે હેતુથી આ આયોજન હાથ ધરાયું છે.
આ સમારોહમાં મોરબીમાં વસવાટ કરતા અને ધોરણ 1 થી લઈને કોલેજ તેમજ અનુસ્નાતક (પોસ્ટ ગ્રેજ્યુએટ) કક્ષાએ અભ્યાસ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાની તાજેતરની માર્કશીટની નકલ જમા કરાવવાની રહેશે. માર્કશીટની પાછળ વિદ્યાર્થીએ પોતાનું નામ, સરનામું અને મોબાઈલ નંબર સહિતની વિગતો લખવાની રહેશે. માર્કશીટ જમા કરાવવાની છેલ્લી તારીખ 15-6-2026 નક્કી કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ પરશુરામ ધામ ખાતે ભુપતભાઈ પંડ્યા પાસે, શનાળા રોડ પર ડો. લહેરૂના દવાખાને, વાઘપરામાં ડો. બળવંતભાઈ પંડ્યાના દવાખાને, મોરબી-2 ખાતે ડો. આશિષભાઈ ત્રિવેદીના દવાખાને તેમજ ભારતી વિદ્યાલય ખાતે કૌશલભાઈ મહેતા પાસે જમા કરાવી શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ આર. કે. ભટ્ટ તથા મહામંત્રીઓ નીરજભાઈ ભટ્ટ અને જયેશભાઈ દવે સહિત સમાજના આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.











