મોરબી : પવિત્ર પરસોતમ માસ (અધિક માસ) નિમિત્તે હાલ મોરબી શહેરમાં ઠેર-ઠેર ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. શ્રદ્ધાળુઓ ભગવાન પરસોતમ રાયની આરાધનામાં લીન બન્યા છે, ત્યારે મોરબીના ભડિયાદ રોડ પર આવેલ પ્રખ્યાત વિદ્યાધર હનુમાન મંદિર ખાતે સોસાયટીની મહિલાઓ દ્વારા પરસોતમ માસની ભારે હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં આસપાસની સોસાયટીની બહેનો દરરોજ વહેલી સવારે એકત્રિત થઈને ભગવાન પરસોતમ રાયની વિધિવત પૂજા-અર્ચન અને આરતી કરે છે. પૂજન કાર્ય પૂર્ણ થયા બાદ બહેનો દ્વારા પરસોતમ માસના પરંપરાગત ગીતો-ભજનોની રમઝટ બોલાવવામાં આવે છે તેમજ ધાર્મિક મહત્વ ધરાવતી ‘આંબુડું જાંબુડું’ ની પરંપરાગત રમતો રમીને આનંદ વ્યક્ત કરવામાં આવે છે.
ગઈકાલે પવિત્ર અગિયારસ (એકાદશી) ના વિશેષ અવસરે મહિલાઓ દ્વારા મંદિરે ખાસ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહેનોએ ભેગા મળીને સાત ધાન (સાત પ્રકારના અનાજ) માંથી આકર્ષક સાંખીયા (સાથીયા) તૈયાર કર્યા હતા અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.











