Saturday, May 30, 2026
No menu items!
Google search engine
ઘરNewsMorabiમોરબી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને દંડક એક્શન મોડમાં: કુબેર નવલખી ફાટક...

મોરબી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને દંડક એક્શન મોડમાં: કુબેર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ગ્રાઉન્ડ લેવલ પર સરપ્રાઇઝ ચેકિંગ

  • ⁠• ચોમાસામાં વોટરલોગિંગની સમસ્યા ન સર્જાય તે માટે પદાધિકારીઓ સીધા મેદાનમાં ઉતર્યા
  • વોંકળા સફાઈની કામગીરીમાં વેગ લાવવા અને કચરો તાત્કાલિક હટાવવા અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોને કડક સૂચના


    ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબીવાસીઓને વરસાદી પાણીના ભરાવાની સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે મોરબી મહાનગરપાલિકાની નવી અને યુવા ટીમ સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. આજે તા. ૩૦ મે, ૨૦૨૬ના રોજ મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઇ રાણપરા અને દંડક શ્રી જયેશભાઇ દેસાઇએ કોઈ પણ પૂર્વ સૂચના વિના સીધા ગ્રાઉન્ડ લેવલ પર ઉતરીને કુબેર નવલખી ફાટક પાસે ચાલી રહેલી પ્રી-મોન્સૂન કામગીરીની અચાનક મુલાકાત (સરપ્રાઈઝ વિઝિટ) લીધી હતી.
    પદાધિકારીઓની આ આકસ્મિક મુલાકાતથી તંત્રના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોમાં દોડધામ મચી ગઈ હતી. મુલાકાત દરમિયાન મેયર અને તેમની ટીમે સમગ્ર વિસ્તારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને કામગીરીની ગુણવત્તા અંગે સ્થળ પર જ જરૂરી આદેશો આપ્યા હતા.
    મુલાકાત દરમિયાન લેવાયેલા મુખ્ય નિર્ણયો અને સૂચનાઓ:
  • વોટરલોગિંગની સમસ્યાનો કાયમી નિકાલ: ચોમાસા દરમિયાન કુબેર નવલખી ફાટક અને તેની આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની (વોટરલોગિંગની) ગંભીર સમસ્યા સર્જાતી હોય છે. આ વર્ષે નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે વોંકળાની ઊંડાઈ અને સફાઈ બરાબર થઈ છે કે નહીં તેની પદાધિકારીઓએ જાતે ચકાસણી કરી હતી.
  • કચરો અને માટી તાત્કાલિક હટાવવા આદેશ: નિરીક્ષણ દરમિયાન મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીએ નોંધ્યું હતું કે વોંકળામાંથી કાઢવામાં આવેલો કચરો અને માટી બહાર જ રાખવામાં આવ્યા છે. તેમણે કડક શબ્દોમાં સૂચના આપી હતી કે આ કચરો ત્યાં જ પડી રહેવાને બદલે તરત જ ડમ્પિંગ સાઇટ પર ખસેડવામાં આવે, જેથી વરસાદ આવતા જ આ કચરો ફરી પાછો પાણીમાં વહી ન જાય અને મહેનત પાણીમાં ન ફરે.
  • સમયમર્યાદામાં કામ પૂરું કરવા અલ્ટીમેટમ: વરસાદ ગમે ત્યારે દસ્તક દઈ શકે તેમ હોઈ, પદાધિકારીઓએ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સ્પષ્ટ અને કડક તાકીદ કરી છે કે ચોમાસું વિધિવત શરૂ થાય તે પહેલાં જ સફાઈની તમામ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરી લેવામાં આવે. કામમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.
  • ⁠યુવા મેયર શ્રી ઉત્તમભાઇ સુરાણીનું નિવેદન:
    “મોરબીના નાગરિકોની સુવિધા એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર ન રહેતા ગ્રાઉન્ડ લેવલ પર મજબૂત રીતે થાય તે માટે અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ. શહેરીજનોને ચોમાસામાં કોઈ તકલીફ ન પડે તે માટે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર રાત-દિવસ જોયા વગર કામ કરશે.”
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments