(હરનિશ જોશી)બીજાના સ્વાસ્થ્યની ચિંતા કરતા તબીબો પોતાના માનસિક સ્વાસ્થ્ય અને તણાવ મુક્તિ પર ધ્યાન આપી શકે તેવા ઉમદા હેતુ સાથે મોરબીના પ્રભુ મિલન હોલ ખાતે એક ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. “હીલિંગ ધ હીલર્સ” (Healing the Healers) વિષય પર યોજાયેલા આ કાર્યક્રમમાં શહેરના ૫૫ થી વધુ નામાંકિત ડોક્ટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ વિશેષ કાર્યક્રમ આઈ.એમ.એ. (IMA) મોરબીના પ્રમુખ ડો. સુષ્માબેન અને આઈ.એમ.એ. સેક્રેટરીની ગરિમામય ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. તબીબી ક્ષેત્રના અગ્રણીઓએ આ પ્રકારના આયોજનને આજના સમયમાં ડોક્ટરો માટે અત્યંત જરૂરી ગણાવ્યું હતું.કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે બ્રહ્માકુમારીઝના બી.કે. ઉજ્જવલા દીદી, બી.કે. અલ્કા દીદી અને બી.કે. ડો. જીજ્ઞાસાબેન ઉપસ્થિત રહ્યા હતા. વક્તાઓએ મેડિકલ પ્રોફેશનલ્સને પડતા માનસિક તણાવ, કાર્યના ભારણ વચ્ચે આંતરિક શાંતિ કેવી રીતે જાળવવી અને મેડિટેશન દ્વારા પોતાની જાતને કેવી રીતે ઉર્જાવાન રાખવી તે અંગે ખૂબ જ સુંદર અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમ તબીબો માટે ખૂબ જ પ્રેરણાદાયી અને સકારાત્મક રહ્યો હતો.











