મોરબી : મોરબીના નિવૃત્ત શિક્ષક અને કેળવણી નિરીક્ષક (વહીવટ) તરીકે સેવા આપી નિવૃત્ત થયેલા મનજીભાઈ કરશનભાઈ કોરડિયાએ પોતાના જીવનના 75મા વર્ષમાં પ્રવેશ એટલે કે ‘અમૃત મહોત્સવ’ની પ્રેરણાદાયી ઉજવણી કરી છે. મૂળ રાજપર ગામના અને હાલ મોરબી નિવાસી મનજીભાઈએ પોતાના જન્મદિવસ અને નિવૃત્તિ દિવસના સંયોગને સેવાકીય કાર્યો સાથે જોડીને સમાજને નવી રાહ ચીંધી છે.
આ ભવ્ય ઉજવણી પ્રસંગે મનજીભાઈએ પોતાના પરિવારના સભ્યોને સોનાની ભેટ અર્પણ કરવા સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી હતી. તેમણે સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટ, યદુનંદન ગૌશાળા, સનાતન ધૂન મંડળ, રાજપર તાલુકા શાળા અને પાટીદાર કેરિયર એકેડમી જેવી શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓને આર્થિક યોગદાન આપી પુણ્યનું ભાથું બાંધ્યું હતું.
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્નેહીજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા તેમના પુત્ર કમલેશભાઈ કોરડિયા, પૌત્ર હિમાંશુ કોરડિયા અને પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જાણીતા એન્કર દિનેશભાઈ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.













