મોરબીના રવાપર રોડ પર આવેલ રવાપર-મોરબી વિસ્તારમાં પવિત્ર પુરુષોત્તમ માસ (અધિક માસ) ના પાવન અવસરે શિવધૂન મંડળ પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન પારાયણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી સોમવારથી શરૂ થનારા આ ધાર્મિક મહોત્સવમાં વિવિધ પ્રસંગોની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. રવાપર રોડ પર વેલકમ પ્રાઈડની બાજુમાં અને ક્રિષ્ણા સ્કૂલની સામે આવેલા “મહાદેવ મહેર” (સેવાધામ) ખાતે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથાના વક્તા સ્થાને શિવધૂન મંડળ પરિવારના કૃષ્ણ ભક્ત થોભણભાઈ પટેલ (નાનાભેલાવાળા) બિરાજીને સંગીતમય શૈલીમાં શ્રોતાઓને કથામૃતનું પાન કરાવશે.
કથાનો પ્રારંભ તારીખ 18-05-2026, સોમવારના રોજ થશે. કથા દરરોજ બપોરે 3:30 કલાકે થી સાંજે 7:00 કલાક સુધી ચાલશે. કથાનો વિરામ તારીખ 24-05-2026, રવિવારના રોજ થશે. પોથી શોભાયાત્રા કથાના પ્રથમ દિવસે તારીખ 18-05-2026 ના રોજ સવારે 9:30 કલાકે મહાબલી હનુમાનજી, સનાતન ધામના મંદિરેથી પોથી શોભાયાત્રા નીકળી કથા મંડપે પધારશે. નકલંક ધામ બગથળાના મહંત દામજી ભગતના આશીર્વાદ સાથે કથાનો પ્રારંભ કરવામાં આવશે.
કથા દરમિયાન દરરોજ પાવન પ્રસંગો ઉજવાશે, જેમાં વરાહ અવતાર, કપિલ પ્રાગટ્ય, સતીનો અગ્નિ પ્રવેશ, ધ્રુવ ચરિત્ર, નૃસિંહ પ્રાગટ્ય, વામન અવતાર, રામ અવતાર, કૃષ્ણ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, રાસલીલા, રુકમણી વિવાહ, સુદામા મિલન, યદુનંદન કુળનો કલેશ, સ્વધામ તરફ પ્રયાણ સહિતના વિવિધ પ્રસંગો ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવશે. આ ધાર્મિક મહોત્સવને સફળ બનાવવા શિવધૂન મંડળ પરિવાર, ક્રિષ્ણા સ્કૂલ તેમજ વેલકમ પ્રાઈડની આજુબાજુની સોસાયટી અને એપાર્ટમેન્ટના રહીશો જહેમત ઉઠાવી રહ્યા છે. શિવધૂન મંડળ પરિવાર દ્વારા તમામ ધર્મપ્રેમી જનતાને આ કથાનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.











