ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળી મોરબીની મુલાકાતે પધાર્યા હતા. આ પ્રસંગે મોરબી સિરામિક એસોસિએશન તથા અન્ય ઉધોગકારો સાથે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન મોરબી સિરામિક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડિયા, નરેન્દ્રભાઈ સંઘાત, સંદીપભાઈ કુંડારિયા, અજયભાઈ મારવાણિયા સહિતના આગેવાનો દ્વારા માનનીય મંત્રીનું શ્રી રામ ભગવાનની પ્રતિમા અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં મોરબીના સિરામિક ઉધોગ સાથે સંકળાયેલા વિવિધ પ્રશ્નો, ઉધોગ સમક્ષ રહેલા વર્તમાન પડકારો તેમજ ઉધોગના સર્વાંગી વિકાસ માટે જરૂરી મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉધોગકારોએ ઉધોગના વિકાસને અસર કરતા વિવિધ પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કર્યા હતા અને તેના નિરાકરણ માટે સરકારના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી. બેઠકના અંતે રાજ્ય સરકારના સહયોગ, યોગ્ય નીતિઓ અને ઉધોગકારોના સંકલિત પ્રયાસોથી મોરબીનો સિરામિક ઉધોગ વિકાસના નવા શિખરો સર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.











