મોરબી : મોરબીના જેતપર ગામે વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો આંદોલન પાર્ટ ટુ અંતર્ગત આમરણાંત ઉપવાસ ઉપર બેઠા છે. ત્યારે ઉપવાસ છાવણીમાં ખેડૂતોનો જુસ્સો વધારવા આજે રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.
જેતપર ગામે ગઈકાલે ગુરુવારે સવારથી 5 લોકો આમરણાંત ઉપવાસ ઉપર ઉતર્યા છે. તેઓ દ્વારા અન્ન અને અન્ય પ્રવાહીનો ત્યાગ કરી માત્ર જળ જ લેવામાં આવી રહ્યું છે. આજે વધુ એક ખેડૂત ઉમેરાતા ઉપવાસીઓની સંખ્યા છ થઈ છે. વધુમાં ગઈકાલે રાત્રે અહીં રામધૂનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આજુબાજુના ગામના લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.
ઉપવાસ છાવણીમાં આજે શુક્રવારે રાત્રીના લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં વિવેક વાઘાણી અને વેનિશા પટેલ સહિતના કલાકારો ચામુંડા સાઉન્ડ અને નીલકંઠ મંડપ સર્વિસના સથવારે ખેડૂતોનો જુસ્સો વધારવાના છે. આજના આ લોકડાયરામાં ગત રાત્રીની જેમ જ આજુબાજુના ગામના અનેક ખેડૂતો ઉપસ્થિત રહેવાના છે તેવું ખેડૂત આગેવાનોએ જણાવ્યું છે.











