ગંદકીના કારણે લાખોના ખર્ચે બનેલું શૌચાલય બંધ હાલતમાં
મોરબી : મોરબી શહેરના નહેરુ ગેઈટ ચોક અંદર આશરે બે લાખના ખર્ચે બનેલું શૌચાલય ગંદકીના કારણે બંધ હાલતમાં પડ્યું હોય આ અંગે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરોએ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર, કલેક્ટર, વહીવટદાર અને ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને લેખિત રજૂઆત કરી છે.
રજૂઆતમાં સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ અને ચિરાગભાઈ સેતાએ જણાવ્યું છે કે, નહેરુ ગેઈટ ચોક અંદર લાખોના ખર્ચે બનેલા શૌચાલયમાં કોઈ જવા રાજી નથી કેમકે શૌચાલયમાં ગંદકીનો રાફડો જામ્યો છે. અંદર નળ અને મોટર પણ કોઈ લઈ ગયું છે. શૌચાલયમાં તોડફોડ કરવામાં આવી છે. અંદર દારૂની કોથળીઓ પડી હોવાનો પણ સામાજિક કાર્યકરોએ આરોપ લગાવ્યો છે. આ અંગે અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. આગામી દિવસોમાં તહેવારો આવતા હોય મહિલાઓ ખરીદી કરવા બજારમાં આવતા હોય છે ત્યારે આ ખંઢેર હાલતમાં રહેલું શૌચાલય કોઈ કામનું નથી. તેથી કોઈ પ્રાઈવેટ પાર્ટીને શૌચાલયનું સંચાલન સોંપવામાં આવે જેથી યોગ્ય સફાઈ થાય અને શૌચાલયનો જનતાને લાભ મળે. આ અંગે લાગતા વળગતા અધિકારીઓને તાત્કાલિક હુકમ કરી શૌચાલય ચાલુ કરાવવામાં આવે તેવી માગ કરાઈ છે.











